ગુજરાતમાં જ્યારથી ચોમાસાનું આગમન થયું છે ત્યારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભલે થોડા દિવસો વરસાદ વિરામ લે છે પરંતુ જ્યારે પણ આવે છે ત્યારે ધોધમાર આવે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે. ઈડરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તે બાદ તલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વધી રહેલા વરસાદને કારણે અનેક નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા નદીનું જળસ્તર પણ વધતું જઈ રહ્યું છે. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
193 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
જે સિઝનની દરેક વ્યક્તિ રાહ જોતા હોય તેવા ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદને લઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અનેક જગ્યાઓથી નયનરમ્ય દ્રશ્યો સામે આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 23 તાલુકાઓ એવા છે જ્યાં ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 46 તાલુકાઓ એવા છે જ્યાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 93 તાલુકાઓ એવા છે જ્યાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપ્યું છે.
આ તારીખે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ ચોમાસુ એક દિવસ માટે વિરામ લેશે. પરંતુ અનેક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી મુજબ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગમાં વરસાદ વરસી શકે છે. 13 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત માટે 15,16 તેમજ 17 જુલાઈ ભારે છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.