અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. 24 કલાકમાં ગુજરાતના 186 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના પારડીમાં પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કોતરપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ભલે મોડે મોડે પણ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. થોડા દિવસોથી વરસી રહેલા વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો તે બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ચોમાસાના વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પહેલા જ વરસાદમાં અમદાવાદની હાલત ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
અનેક જગ્યાઓ પર ભરાયા પાણી
વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. એરપોર્ટ સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. તે ઉપરાંત શાહીબાગમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.