આગામી બે દિવસ ભારેથી મધ્યમ વરસાદ માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થશે. હવામાન વિભાગે 40 કિમીના ઝડપે પવન ફુંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ત્રણ દિવસ બાદ ફરી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.
લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં હવામાન વિભાગે કચ્છમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
નર્મદા ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ
ઉપરવાસમાં મુશળધાર વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. નર્મદાની હાલની સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. ડેમની સપાટીમાં વધારો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને નર્મદાના નીરના વધામણા કર્યા હતા.