"બોલ મારી અંબે જય જય અંબે"ના નાદથી અંબાજી તરફ જવા રસ્તાઓ ગુંજી રહ્યા છે. ભાદરવી પૂનમ નિમીત્તે માઈ ભક્તો પગપાળા શક્તિપીઠ અંબાજી મંદિર તરફ જતા હોય છે. શક્તિપીઠ અંબાજીમાં મહા મેળો યોજાવાનો છે. ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા મેળામાં ભાગ લેવા દૂર દૂરથી માઈ ભક્તો આવતા હોય છે. લાખોની જનમેદની ઉમટતી હોય છે. ભાદરવી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 6.00થી 6.30 કલાકે, 6.30થી 11.30 કલાક, રાજભોગના દર્શન બપોરે 12 વાગ્યે થશે. બપોરે 12.30થી 5.0 કલાક દરમિયાન દર્શનનો સમય રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 કલાક સુધીનો છે.
લોકમેળાને લઈ કરાયું વિશેષ આયોજન
ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક જગ્યાઓથી પગપાળા સંઘો શક્તિપીઠ અંબાજી તરફ જતા હોય છે. 23થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમના દિવસે માઈમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટતી હોય છે. ખાસ કરીને શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં જનમેદની જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાનો એક પ્રખ્યાત લોકમેળો છે. લોકમેળાને લઈને મંદિર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે મહામેળો
શક્તિપીઠોમાં દર્શન કરવાનો મહત્વ તો અનેરો હોય છે. પરંતુ જો તે દર્શન પૂનમના દિવસે અથવા તો નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તેનો મહિમા વિશેષ થઈ જાય છે તેવું ભક્તો સામાન્ય રીતે માનતા હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટતી હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મેળો ભરાય છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ પણ કાઢતા હોય છે. દૂર દૂરથી સંઘ માતાજીના મંદિરે પહોંચતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક વીડિયો સંદેશ બહાર માઈ ભક્તો માટે પાઠવ્યો છે.