ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
જાણીતા કવિ અનિલ ચાવડાના આ કાવ્યમાં વર્ણવેલી પરિસ્થિતી જેવી જ હાલત અત્યારે છે, ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીના કારણે લૂ અને હિટ સ્ટ્રોકના કેસમાં ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને એબનોમીનલ પેન, ઉલટી, અને હાઇ ફીવરને કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108 ઈમર્જન્સી સર્વિસને મળતાં કોલમાં પણ વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં લૂ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાના કેસમાં 108 ઈમર્જન્સી સર્વિસને ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે.
108 ઈમર્જન્સીની કામગીરી વધી
આકાશમાંથી સતત વરસી રહેલી અગનજ્વાળાના કારણે લોકો માટે જીવવું અસહ્ય બન્યું છે. રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલા, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ કારણે જ 108 ઈમર્જન્સી સર્વિસને બે સપ્તાહ અગાઉ સમગ્ર રાજ્યમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા. જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300ને પાર પહોંચ્યા છે.
આગામી 5 દિવસ તાપમાનનો પારો નીચે આવશે
કાળઝાળ ગરમીમાંથી રાહત ક્યારે મળશે તે અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.