રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો વણથંભ્યો સતત ચાલી જ રહ્યો છે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી હાર્ટ એટેકના સમાચાર દર બે-ત્રણ દિવસે સતત આવી જ રહ્યા છે. આજે પણ મોરબી અને સુરતમાંથી બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. મોરબીના નાની વાવડી ગામે એક શિક્ષક જ્યારે સુરતમાં સિક્યુરીટી ગાર્ડ હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે.
હાર્ટ એટેકથી અરેરાટી
દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં, તેમના નિધનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે, જો કે પોસ્ટ મોર્ટમ બાદ જ ખરૂ કારણ સામે આવી શકશે.