રાજ્યમાં કોરાના કાળ બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ક્રિકેટ, ફુટબોલ રમતા-રમતા કે પછી સામાજીક પ્રસંગોએ ડાન્સ કરતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તે સમાજ માટે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા વખતે હાર્ટ ઍટેકથી અકાળે નિધન થયું છે.
ક્રિકેટ રમતા-રમતા મૃત્યુ
મયુર મકવાણા રવિવારની રજા હોવાથી મિત્રો સાથે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જો કે કોને ખબર કે આ તેમની જિંદગીની આખરી ઈનિંગ હશે. મેદાનમાં ક્રિકેટ રમતી વખતે 45 વર્ષીય મયુર મકવાણા અચાનક ઢળી પડ્યા હતા. મયુરને 108 મારફતે પહેલાં ગિરીરાજ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ત્યાંથી બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
નિર્વ્યસની મયુરના મોતથી શોક
મયુર મકવાણા રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતા હતા, તેમને કોઈ જાતની બિમારી કે વ્યસન નહોતું. સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મયુર મકવાણાના પરિવારમાં તેમની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મયુરભાઈના મોતથી હોસ્પિટલમાં હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.