કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી થતા મોતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં યુવાનો હ્રદયરોગના હુમલામાં જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ એટેકથી યુવાનોના મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. દર બે-ત્રણ દિવસે કોઈને કોઈ નવયુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યું છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડમાં 22 વર્ષીય યુવક જીલ ભટ્ટુનું હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી ફેલાઈ છે. મૃતક જીલ પરિવારનો એકનો એક પુત્ર હતો. અત્રે ઉલ્લેખનિય છે કે હજુ ગઈ કાલે જ રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થી કલ્પેશ પ્રજાપતિનું હાર્ટ-એટેકથી મોત થતા ચકચાર મચી ગઈ હતી. તે જ પ્રકારે 6 જુનના રોજ જામનગર શહેરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન થયું હતું. ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.
કમાઉ દીકરાને હાર્ટ એટેક ભરખી ગયો
22 વર્ષીય યુવક જીલ ભટ્ટ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડમાં પરિવાર સાથે રહેતો હતો. તે અભ્યાસ પૂર્ણ કરીમે નડિયાદમાં મોબાઇલની દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. તે અભ્યાસ પૂર્ણ થતા નડિયાદમાં મોબાઇલની દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. જીલ ભટ્ટ સવારે 8:00 વાગ્યાની આસપાસ બાથરૂમમાં ગયો હતો. જો કે તે બહાર ન આવતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો ત્યારે તેમણે જોયું કે જીલ બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. પુત્રનું નાની ઉંમરે મોત થતાં પરિવાર શોકમગ્ન બન્યો છે.
4 મોટા શહેરોમાં દૈનિક કોલ વધ્યા
રાજ્યમાં એપ્રિલથી જૂન સુધીના 3 મહિનામાં જ હાર્ટ એટેકના 15 હજારથી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં પણ અમદાવાદમાં કોરોના બાદ ઈમરજન્સી કોલ્સમાં 56 ટકા જેટલો વધારો થયો છે. માત્ર 4 મહાનગરોમાં હાર્ટ એટેકના આંકડા પર નજર કરીએ તો તે પણ ચિંતાજનક છે. ઈમરજન્સી મેડિકલ સેવા માટે કાર્યરત 108ને મળતા કોલ્સ મુજબ અમદાવાદમાં વર્ષ 2021-22માં દૈનિક સરેરાશ 35 જેટલા કોલ આવતા હતા. ત્યારે આજે ચાલુ વર્ષે તેમાં વધારો થતા દૈનિક સરેરાશ 52 જેટલા કોલ્સ મળી રહ્યા છે. આવી જ રીત સુરતમાં પણ 2021-22માં દૈનિક સરેરાશ 8 કોલ આવતા હવે રોજના 13 કોલ આવે છે. વડોદરામાં પણ 6 કોલની સામે 9 કોલ આવી રહ્યા છે.
શા માટે વધી રહ્યા છે હાર્ટ એટેક?
કોરોનાકાળ બાદ છેલ્લા 2 વર્ષમાં 40 વર્ષથી નીચેના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતા, જીમમાં કસરત કરતા કે ક્રિકેટ રમતા, રોડ પર ચાલતા જતા હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. આ બાબતો પાછળ એક નહીં પણ એક કરતા વધુ બાબતો જવાબદાર હોય છે. જેમાં મુખ્ય કારણો ગણીએ તો ખરાબ લાઇફસ્ટાઇલ, માનસિક તણાવ, વ્યસનો, શરીરમાં બ્લોક વધવા, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસનો સમાવેશ થાય છે.