ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સૌથી મોટી ચિંતાજનક બાબત તો એ છે કે યુવાનો અને તરૂણો પણ હાર્ટ એટેકની ઝપેટમાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતરનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે. દુષ્યંત આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો.
કિશોરના મોતથી અરેરાટી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતર આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો દુષ્યંતને ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક દુષ્યંત વિજયપુર ગામની સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
પરિવાર શોકમગ્ન
11 વર્ષનો દુષ્યંત મોતને ભેટતા તેના માતા-પિતાના કરૂણ આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. બાળકના મોતના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. લાડકવાયા દીકરાના મોતથી પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે.