રાજ્યમાં હાર્ટ એટેક મોટી ચિંતાનો વિષય બન્યો છે, સામાન્ય માણસ જ નહીં સરકાર પણ આ કારણે ચિંતિત છે. હાર્ટ એટેકના કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. કોરોના કાળ બાદ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. તેમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં હાર્ટ એટેકથી સૌથી વધુ મોત થયા છે. સુરતમાં વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે હાર્ટ એટેકના વધતા કેસને લઈ રાજ્ય સરકારે પણ નિષ્ણાંત ડોક્ટરોની એક સમિતીની રચના કરી છે.
સુરતમાં 3 યુવાનો મોત
સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો. તે જ પ્રકારે સુરતના અમરોલી વિસ્તારમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.
સરકારે બનાવી નિષ્ણાતોની સમિતિ
ગુજરાતમાં કોરોના કાળ બાદ હ્રદય રોગના વઘતા કેસથી ચિંતિંત રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા ડોક્ટરો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરશે.