ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. પતંગ ચગાવવા ઉપયોગમાં આવતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . આ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને લોકોમાં ચાઈનીઝ દોરી અંગે જાગૃતતા લાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જેમ ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવે છે તેવી રીતે આ અંગે પર પણ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.
ચાઈનીઝ દોરીને લઈ કોર્ટમાં થઈ સુનાવણી
અનેક લોકો પોતાનો પતંગ ન કપાય તે માટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોઈ લોકોની મજા બીજા માટે સજા સાબિત થતી હોય છે. આ દોરીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ શરૂ થાય તે પહેલા જ એવા અનેક બનાવો સામે આવ્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. હાઈકોર્ટમાં ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને લઈ સુનાવણી કરવામાં આવી હતી.
બીજી વખત સોગંદનામું કોર્ટમાં રજૂ કરાયું
આ મુદ્દાને લઈ સરકારે હાઈકોર્ટમાં ગઈકાલે સૌગંદનામુ રજૂ કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેવા નથી. નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે સરકારે આજે સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આ સોગંદનામા બાદ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.
લોકોમાં જાગૃતતા લાવવા સરકારને કરાયો આદેશ
ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પણ અનેક સ્થળો પર વેચાણ ચાલુ જ છે. કોર્ટે સરકારની ઝાટકણી કરતા લોકોમાં ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે માહિતગાર તેમજ જાગૃત્તા લાવવા આદેશ આપ્યો છે.
ચૂંટણીમાં જેમ પ્રચાર થાય તેવો પ્રચાર કરવા આદેશ
સરકારને કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરવામાં આવે છે તે રીતે આ અંગે લોકોમાં જાગૃતતા લાવા પ્રચાર કરવામાં આવે. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગને કારણે લોકોના જીવને જોખમ રહેતું હોય છે. આ અંગે લોકોને માહિતગાર કરવા સૂચન આપ્યું છે. વધુમાં કોર્ટે કહ્યું કે જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને ચાઈનીઝ દોરીના ઉપયોગને અટકાવવા પ્રયાસ કરવા કહ્યું છે અને જો જરૂર પડે તો જાગૃત્તા પ્રચાર માટે રિક્ષાઓમાં જાહેરાત કરાવો.