પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત નથી થયો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલાએ માગી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસ આ બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની ચર્ચાઓ થઈ રહી છે. પરેશ ધાનાણીના નામની ચર્ચાઓ થઈ રહી છે આ બધા વચ્ચે ભરત બોઘરાએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાજકોટમાં કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે નહીં તેવી સ્થિતિ હતી. ઉપરાંત રાજકોટની સીટ પર પાંચ લાખથી વધારે લીડથી ભાજપ જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ સાથે ક્ષત્રિયો મક્કમ!
ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારને લઈ વિરોધ થઈ રહ્યો છે. બે બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા પણ ખરા. ત્યારે ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. રાજ્યના અનેક અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. થોડા દિવસ પહેલા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ગઈકાલે કમલમને ઘેરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કમલમનો ઘેરાવો કરે તે પહેલા રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી...
ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપી...
અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. રાજકોટ લોકસભા બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારવા તેની ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસ તેમને ઉમેદવાર બનાવશે. પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે તેવી માહિતી પણ સામે આવી ગઈ છે. આ બધા વચ્ચે ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા એવા સમયે આપી છે જ્યારે ભાજપના નેતાઓની આંદોલન પાછળ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે ભરત બોઘરાએ પહેલા પણ પ્રતિક્રિયા આપી હતી ત્યારે ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે પરેશ ધાનાણીની વાત કરી છે ઉપરાંત પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં વાત કરી છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ જીતે છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.