અસહ્ય ગરમીનો અનુભવ આપણને ગુજરાતમાં થઈ રહ્યો છે.. થોડા દિવસો પહેલા તાપમાનનો પારો 47 ડિગ્રી નજીક અમદાવાદનું પહોંચી ગયો હતો. આપણામાંથી અનેક લોકો એસીમાં બેસી કામ કરતા હોય છે, ઘરમાં પણ એસી હોય છે.. થોડી વાર માટે જો એસી બંધ થયું હોય તો આપણને ગરમી લાગવા લાગે છે. ગરમીની ફરિયાદ કરવા લાગીએ છીએ.. આપણે આપણા બાળકોને આવી ગરમીમાં બહાર નિકાળતા પહેલા સો વખત વિચારીએ છીએ પરંતુ તે બાળકોનું નથી વિચારતા..!
જમાવટની ટીમે લીધી કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત
ગરમીની ફરિયાદ કરતા પહેલા આપણે એ લોકોનો વિચાર કરવો જોઈએ જે આટલી ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે...આવા ધગધગતા તાપમાં તે મજૂરી કરે છે. ત્યારે જમાવટની ટીમે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરી હતી અને તેમની પીડા જાણવાની કોશિશ કરી હતી...જ્યારે આપણે આવા લોકોને જોઈએ તો વિચારીએ કે તેમના માટે આ તો એકદમ નોર્મલ વસ્તુ હશે.. તે લોકો ટેવાઈ ગયા હશે વગેરે વગેરે.. વાત સાચી પણ હશે કે આપણમાંથી અનેકને આવો જ વિચાર આવતો હશે..
રોજનું કમાઈને રોજ ખાતા હોય છે મજૂરો!
જમાવટની ટીમ જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરવા પહોંચી હતી ત્યારે ત્યાં અમને નાના બાળકો મળ્યા જે એકદમ આનંદથી ત્યાં આવી પરિસ્થિતિમાં રહેતા હતા. ત્યાં હાજર બાળકોને પૂછવામાં આવ્યું કે તે શાળામાં જાય છે ત્યારે તેણે હા પાડી.. ત્યાં આવેલા મજૂરો મધ્યપ્રદેશ સાઈડથી આવ્યા હતા. ત્યાં અનેક મહિલાઓ હાજર હતી એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ગરમી નથી લાગતી? ત્યારે તેમણે કહ્યું કે પેટ માટે તો કરવું પડે.. જો એક દિવસ કામ પર ના આવીએ તો પૈસા ના મળે.. વાત સાચી પણ છે આવા લોકો રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે.. જો એક દિવસ કામ પર ના જાય તો તેમના ઘરે ચૂલો ના સળગે..
જ્યારે ગરમીને લઈ કરવામાં આવ્યો સવાલ
જ્યારે તડકાને લઈ પૂછવામાં આવ્યું કે શું તેમને ગરમી લાગે તો તેમણે કહ્યું કે ગરમી લાગે તો થોડી વાર છાંયડામાં બેસી જાય અને પછી થોડી વાર પછી કામ કરે.. મજબૂરીમાં તો કરવું જ પડેને તેવી વાત ત્યાં હાજર એક મહિલા દ્વારા કરવામાં આવી.. જ્યારે ગરમીને લઈ બીજા એક મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો અમારો રાત દિવસનો ધંધો છે. તડકો હોય છે છાંયડો હોય અમને તો ફાવી ગયું છે.. ટેવાઈ ગયા છીએ તેવું તેમણે કહ્યું હતું..
જ્યારે કામ ના મળે ત્યારે...
જ્યારે ચામડી બળી જાય તો શું થાય તેવું જ્યારે જમાવટના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કશો ફરક ના પડે.. તેમણે કહ્યું કે તમારે નોકરી છે અમે મજૂરી કરીએ છીએ એટલો ફરક પડે. બધા પેટ માટે કરે છે.. જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેક કામ ના મળે તો શું કરો તો તેમણે કહ્યું કે કામ ના મળે તો ઘરે બેસીએ. જ્યારે બીજા એક બહેનને પૂછવામાં આવ્યું કે કેવી રીતે મજૂરી કરવામાં લાગી ગયા તો તેમણે કહ્યું કે માતા પિતા મજૂરી કરતા હતા એટલા માટે તે આ કામમાં લાગી ગયા.. તેમણે કહ્યું કે તે પોતાના બાળકને ભણાવશે.. ત્યારે તમારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..