ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ફરીવાર ગુરુવારથી ગાંધીનગરમાં વિરોધ નોંધાવવા જઈ રહ્યું છે. અગાઉ ગુજરાત સરકારના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરનો ઘેરાવ કરવા જઈ રહ્યું છે.
શું છે આરોગ્ય કર્મચારીના ધરણાનો કાર્યક્રમ?
ગુરુવારે સવારે 10 વાગ્યાથી ગુજરાતભરના આરોગ્ય કર્મચારીઓ સચિવાલયનો ઘેરાવો કરશે. શુક્રવારે સવારે 11 કલાકે ગાંધીનગર શહેરમાં રેલી કરી વિરોધ નોંધાવશે. શનિવારે સવારે સાડા દસ કલાકે ગાંધીનગરના રસ્તા રોકી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરશે. સોમવારે સવારે 10 કલાકે પરિવાર સાથે સચિવાલય ખાતે ધરણા કરશે. મંગળવારે 20 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે પોતાની ત્રણ માગ સાથે ભૂખ હડતાળ કરશે.
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણાં થશેઃ આરોગ્ય કર્મચારી મહાસંઘ
ગુજરાત સરકારે આજ દિવસ સુધી કોઈ નિર્ણય નહીં લેતા આરોગ્ય કર્મચારીઓ ફરીવાર ગાંધીનગર ઘેરાવો કરવા જઈ રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની માગણીનું જીઆર ગુજરાત સરકારે નહીં કરતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. તમામ આરોગ્ય કર્મચારીઓને ગાંધીનગર આવવા માટે પરિપત્ર બહાર પાડી જાણકારી આપવામાં આવી છે.
આ ત્રણ માગ સ્વીકારવા ધરણા થશે
નોન ટેક્નિકલ વિભાગના આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણવા જેથી 2400નો ગ્રેડપે ગણાય. આરોગ્ય કર્મચારી ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ નોન ટેક્નિકલ ગણે છે માટે તમામને ટેક્નિકલ ગણવા માગ કરી છે. કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થું અને રજાના દિવસોનીની કામગીરીનું વળતર મળે. આરોગ્ય કર્મચારીને 8 કિલોમીટર પર ભાડાના પૈસા નથી આપતા તે ભથ્થું આપો તેવી માગ છે.
8 ઓગસ્ટથી આરોગ્ય કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાત સરકારની પાંચ મંત્રીની સમિતીએ બેઠક બાદ આરોગ્ય કર્મચારીઓને 1 મહિનાની અંદર માગણીઓ સ્વીકારી લેવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપી હતી. અગાઉ ત્રણ હડતાળમાં પણ સરકારે આરોગ્ય કર્મચારીઓને વિશ્વાસમાં રાખી બાંહેધરી આપી હતી પરંતુ આરોગ્ય કર્મચારીઓએ પોતાના ધરણા બંધ ન કરી અને જ્યાં સુધી માગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખ્યા હતા. અગાઉ પણ મૌખિક બાંહેધરી આપી હતી પરંતુ આરોગ્ય કર્મચારીઓએ સરકારની વાતમાં ન આવી ધરણા યથાવત રાખ્યા હતા. 1 મહિના બાદ પણ સરકારે કોઈ નિર્ણય ન લેતા ફરીવાર 15 સપ્ટેમ્બર ગુરુવારથી ધરણા કરવા જઈ રહ્યા છે.