રાજ્યમાં ચુંટણી નજીક છે ત્યારે વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ તેમની માંગણીને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારે પણ આ નારાજ કર્મચારીઓને મનાવવા માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. મંગળવારે પંચાયત હસ્તકના વર્ગ 3 ના કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લેતા હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિત કમિટીએ આપી દીધી છે.આજે રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ તેઓના એસોસિએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આરોગ્ય કર્મચારી મહાસંઘે આ અંગે ચેતવણી આપી છે કે એક મહિનામાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીનાં સભ્ય જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી બ્રિજેશ મેરજા, નિમીષા સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા હડતાળ પાછી લેવાનો નિર્ણય કરાયો હતો.
આરોગ્યકર્મીઓની માંગણી શું હતી?
લાંબા સમયથી પડતર ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની માંગ
2017, 2019 અને 2021માં કર્મચારીઓની માંગણીઓ મુદ્દે હડતાળ
સરકારનાં અગાઉના આશ્વાસનોનો અમલ થયો ન હોવાથી રોષ
ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ
કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવા માંગ