ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉઠેલા કર્મચારી આંદોલનોથી ચિંતિંત ભૂપેન્દ્ર પટેલની સરકારે મંત્રીઓની ઉચ્ચ કક્ષાની કમિટી બનાવી હતી. આ 5 મંત્રીઓની આંદોલન કમિટી દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયત હસ્તકના વર્ગ 3 ના આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લીધી હતી. જેના પગલે હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિતની કમિટીએ આપી દીધી છે.
સરકારે કેટલી માંગણી સ્વીકારી?
આરોગ્ય કર્મચારી મહાસંઘ કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આ અંગે જણાવ્યું કે, પંચાયત હસ્તકના 16 હજાર આરોગ્ય કર્મચારીઓ છે. પગારની વિસંગતતાને કારણે કર્મચારીઓમાં અસંતોષ હતો. જો કે સરકારે 1 મહિનાની અંદર નિકાલ માટેની બાંહેધરી આપી છે. પગારની વિસંગતતા અને ક્ષતીઓ દુર કરવાની પણ બાંહેધરી આપી છે. એક મહિનામાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.
યુનિયનમાં પણ ભાગલા પડ્યા
જો કે આ પ્રતિનિધિ મંડળ બહાર આવ્યા બાદ હવે આ યુનિયનમાં પણ બે તડાં પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક ગ્રુપ સરકાર પર વિશ્વાસ રાખીને પરત ફરી જવા માંગે છે. જ્યારે બીજુ ગ્રુપ જ્યાં સુધી આ નિર્ણય અંગેનો GR કે અમલીકરણ પત્ર ન બને ત્યાં સુધી પરત નહીં જવાનો હિમાયત કરે છે. જેના કારણે હવે આંદોલન LRD આંદોલનની જેમ જ વિમાસણની સ્થિતિમાં છે.
આરોગ્ય કર્મચારીઓની માંગણી શું હતી?
1 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો લાંબા સમયથી ઉકેલ લાવવા માટે માંગ હતી.
2 2017,2019 અને 2021 માં કર્મચારીઓ માંગણીઓ મુદ્દે હડતાળ પર હતા
3 અગાઉ સરકારે આશ્વાસન આપ્યું હતું જો કે અમલ થયો નહોતો
4 ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ
5 કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ
6 આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવાની માંગ છે.