ગુજરાત સરકાર સામે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પોતાની જૂની ત્રણ માગો સાથે છેલ્લા ઘણા સમયથી આંદોલન નોંધાવી રહ્યા છે. આ વખતે આરોગ્ય કર્મચારીઓ અગાઉની જેમ જિલ્લા સ્તરે નહીં પરંતુ ગાંધીનગરમાં ઘૂસીને વિરોધ નોંધાવી રહ્યા છે.
ગરબે ઘૂમી અને ફ્લેશલાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો
કોરોનાના સમયમાં દિવસ રાત ન જોયા વગર સેવા આપતા આરોગ્ય કર્મચારીઓ ગત 15 સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં ઘેરો નાખીને બેઠા છે. ગુજરાતભરથી આવેલા આરોગ્યકર્મચારીઓએ ગઈકાલે ગરબા રમી સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગરબા રમી તેઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો કે, "આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી." આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય પાટણ અને ગાંધીનગરમાં ફ્લેશલાઈટ દેખાડી આરોગ્ય કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
આજે 2 વાગ્યે આરોગ્ય કર્મચારીની સરકાર સાથે બેઠક
ગુજરાત પંચાયત હસ્તકના કર્મચારીઓ આજે બપોરે 2 કલાકે સરકાર સાથે પોતાની માગ મામલે ચર્ચા બેઠક કરશે. અગાઉ સરકારે આરોગ્ય કર્મચારીઓ પાસેથી 1 મહિનાનો સમય માગ્યો હતો પરંતુ કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા આરોગ્ય કર્મચારીઓ ફરીથી આંદોલન કર્યું હતું.
આ ત્રણ માગ સ્વીકારવા ધરણા
નોન ટેક્નિકલ વિભાગના આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણવા જેથી 2400નો ગ્રેડ-પે ગણાય. આરોગ્ય કર્મચારી ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ નોન ટેક્નિકલ ગણે છે માટે તમામને ટેક્નિકલ ગણવા માગ કરી છે. કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થું અને રજાના દિવસોનીની કામગીરીનું વળતર મળે. આરોગ્ય કર્મચારીને 8 કિલોમીટર પર ભાડાના પૈસા નથી આપતા તે ભથ્થું આપો તેવી માગ છે.