અમદાવાદના ખખડધજ હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવામાં આવશે. હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજ તપાસ દરમિયાન નબળી ગુણવત્તાનો હોવાનું સામે આવતા હવે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 40-45 કરોડના ખર્ચે તૈયાર થયેલો ભ્રષ્ટાચારનો આ બ્રિજ 5 વર્ષ જ જર્જરીત થઈ જતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજનું સમારકામ કરવું લગભગ અશક્ય હોવાનું જણાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તપાસ બાદ લેવાયો નિર્ણય
હાટકેશ્વર બ્રિજ જર્જરીત થતાં સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રૂડકી આઈઆઈટી દ્વારા પણ બ્રિજની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ રૂડકી IIT દ્વારા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. બ્રિજની ગુણવત્તા શંકાસ્પદ જણાયા બાદ કમિશનર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યો હતા. જે બાદ આ કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો હતો. બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા અને તે જોખમી હોવાનું જણાતા હવે તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર
હાટકેશ્વર બ્રિજ સરકાર માન્ય એજન્સી CIMEC દ્વારા કરાયેલી તપાસમાં પણ બ્રિજની ગુણવત્તા અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલ ઉભા કરાયા હતા. જેમાં બ્રિજના સ્પનના ઉપયોગમાં લેવાયેલો કોંક્રીટ શંકાસ્પદ જણાયો હતો. આ રિપોર્ટમાં નિયમ ધોરણ કરતા પણ ઓછી કોંક્રેટ વાપરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ રિપોર્ટમાં કરાયો છે. નિયમ પ્રમાણે ગ્રેડ ફો કોંક્રીટ ઓછામાં ઓછો ત્રણગણો હોવો જોઈએ. જેમાં ટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ગ્રેડ ઓફ ક્રોકિટ માત્ર 1.48થી 2.59 મળી આવી હતી. આખરે સપ્ટેમ્બર 2022માં બ્રિજના બન્ને સ્પાનના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બ્રિજના ઘણાં ભાગોમાં કોંક્રીટની સ્ટ્રેન્થ નબળી હોવાનું અને ગુણવત્તા શંકાસ્પદ જણાઈ હતી.
ભ્રષ્ટ અધિકારીઓ સામે થશે કાર્યવાહી
હાટકેશ્વર બ્રિજને બનાવવામાં ગેરરિતી આચરનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવશે. જવાબદારો સામે પગલા ભરવા અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બ્રિજની ગુણવત્તા અને તેને બંધ કરવાના મુદ્દે તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું.
વર્ષ 2017માં તૈયાર થયો હતો બ્રિજ
હાટકેશ્વર બ્રિજનું નિર્માણનો વર્ક ઓર્ડર મળ્યા બાદ વર્ષ 2015માં કામ શરૂ થયું અને વર્ષ 2017માં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નિર્માણ અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. 4 લેનનો બ્રિજ 500 મીટર લાંબો બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન માટે ડેલ્ફ કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના દોઢ ટકા એટલે કે 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.