આવતી કાલે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં 8 લાખથી વધુ ઉમેદવારો બેસવાના છે. આ પરીક્ષાને લઈ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર પર કોઈ અડચણ વગર પહોંચી શકે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા પહેલા ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અનેક મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી..
આઈપીએસ હસમુખ પટેલના શિરે છે જવાબદારી!
અનેક વખત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થતી હોય છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા ફૂટતાં પેપરને કેન્સલ કરવામાં આવી હતી. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ થોડા સમયની અંદર જ ફરી પરીક્ષાનું આયોજન થયું હતું. શાંતિ પૂર્ણ વાતાવરણની અંદર જુનિયર ક્લાર્ક પરીક્ષા યોજાઈ હતી અને તે બાદ ટેટ-2નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવતી કાલે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાની જવાબદારી આઈપીએસ હસમુખ પટેલના શિરે છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત અને સિક્યોરિટીની વચ્ચે પરીક્ષા યોજાવાની છે.
આ ઘડિયાળનો જ ઉમેદવારો કરી શકશે ઉપયોગ!
પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષામાં આઠ લાખથી વધુ ઉમેદવાો બેસવાના છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ અંદર પહેરી શકશે પરંતુ ઈલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ અંદર નહીં લઈ જઈ શકાય. ઉપરાંત ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ પરીક્ષા કેન્દ્રની બહાર આવી શકશે. તે સિવાય ઉમેદવારોએ પરીક્ષા રૂમની બહાર કાઢ્યા બાદ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવી છે.
શંકાસ્પદ ડમી ઉમેદવાર હશે તો?
તે ઉપરાંત વીડિયોગ્રાફી અને પોલીસ પણ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉમેદવારોનાં ઓળખકાર્ડ, કોલલેટર ચેક કરવામાં આવશે અને એમાં શંકા લાગશે તો ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે, પરંતુ પરીક્ષા પૂરી થયા પછી તેને જવા દેવામાં આવશે નહીં અને તેની વિશેષ પૂછપરછ કરવામા આવશે. જ્યાં સુધી ખાતરી ન થાય કે તે ડમી ઉમેદવાર નથી ત્યાં સુધી તેને પરીક્ષા કેન્દ્રમાંથી છોડવામાં આવશે નહીં.
નવા કાયદા હેઠળ યોજાઈ રહી છે પરીક્ષા!
આ પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નવા કાયદાની અંદર ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ છે. પરીક્ષામાં અડચણ ઉભી કરનારા માટે પણ કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો સરકારની અંદર કોઈ બરાબર ફરજ ન બજાવતું હોય તો તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
ઉમેદવારો માટે બસની તેમજ ટ્રેનની કરાઈ વ્યવસ્થા!
ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે બસની તેમજ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો માટે 4500 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. 488 જેટલી સ્પેશિયલ બસ મૂકવામાં આવી છે. તે ઉપરાંત હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વર્ગખંડમાં ઉમેદવારોને 11.55 કલાકે પ્રવેશ આપવામાં આવશે. જે બાદ દોઢ વાગ્યા સુધી એટલે કે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી વર્ગખંડની બહાર મોકલવામાં આવશે નહીં. ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે પ્રામાણીકતાથી પરીક્ષા આપવી ઉમેદવારોની જવાબદારી છે. કારણ કે અમુક ઉમેદવારોને કારણે લાખો ઉમેદવારોને વેઠવાનો વારો આવે છે.