ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ પોતાના ફાયદા માટે પલટો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને અલવિદા કહનાર મુખ્યત્વે નેતાઓ ભાજપ અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા, આવતી કાલે કેસરિયો ધારણ કરવાના છે.
કમલમ ખાતે યોજાઈ શકે છે સ્વાગત સમારોહ
વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને સોંપી દીધું હતું. તેમણે રાજીનામુ આપતા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો છેડો ફાળતા જ કોંગ્રેસ પ્રત્યે તેમની ભાવના બદલાઈ ગઈ છે. જે પાર્ટી તેમને શ્રેષ્ઠ લાગતી હતી એ પાર્ટી રાજીનામુ આપ્યા બાદ ખરાબ લાગવા લાગી છે. પાર્ટી છોડતા જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે પક્ષ પલટો કરનાર હર્ષદ રિબડીયા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.