શક્તિપીઠ અંબાજીમાં શ્રધ્ધાળુંઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરાવાનો વિવાદ વણસ્યો છે. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે રોષ છે. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે અંબાજી પ્રસાદ વિવાદ વકર્યો છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઇ શકે છે.
બેઠકમાં થશે નિર્ણય
હર્ષ સંઘવીએ બોલાવેલી આ બેઠકમાં રાજ્ય સરકારના અન્ય એક મંત્રી ઋષિકેશ પટેલ મંદિર પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં મોહનથાળનો પ્રસાદ ચાલું રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જ અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું હતુ. અગાઉના નિવેદનમાં ચિકીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’ હવે જ્યારે આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે જ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો છે.
કોંગ્રેસ, VHP અને દાંતાના રાજવીએ પણ કર્યો વિરોધ
અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે અગાઉ વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો વિધાનસભામા ઉઠાવ્યો હતો અને સામુહિક વોક આઉટ કર્યું હતું. જ્યારે દાંતાના રાજવી પરિવારે પણ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.