ગુજરાતમાં સરકારી કર્મચારીઓની આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મામલતદારે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. હારીજ મામલતદાર વેનાજી પટેલે હારીજ કચેરીના નવીન બિલ્ડિગના ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક છે કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે. વેનાજી પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.
મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો
હારીજના મામલતદાર વેનાજી પટેલ મુળ દિયોદર તાલુકાના લીલાધર ગામનાં વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો અને આ દિવસે જ તેમણે મોતને વ્હાલું કરતા સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટી તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. ઘટનાના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વેનાજી પટેલના મોતને લઈ મામલતદાર કંપાઉન્ડને તાળા મારવામાં આવ્યા છે. વેનાજી પટેલના મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.