સ્વ. હરેન પંડ્યા એટલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી. વર્ષ 2003માં તેમની હત્યા કરી દેવામાં આવે છે. અમુક લોકો હરેન પંડ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આલોચક તરીકે પણ યાદ કરે છે. પણ અત્યારે આપણે તેમને એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે તેમના પત્નીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખ્યો છે. પત્ર તેમણે એટલા માટે લખ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને ધારાસભ્ય રાકેશ શાહે હરેન પંડ્યા પર કથિત ટિપ્પણી કરી છે. રાકેશ શાહ એ જ એલિસબ્રિજના ધારાસભ્ય છે જે એલિસબ્રિજ પરથી હરેન પંડ્યા ધારાસભ્ય હતા.
રાકેશ શાહે હરેન પંડ્યા વિશે શું વાત કરી?
રાકેશ શાહ વર્ષ 2017થી અત્યાર સુધી એલિસબ્રિજ બેઠક પર ધારાસભ્ય તરીકે છે. તેમણે હરેન પટેલ વિશે ટિપ્પણી કરીને કહ્યું હતું કે "એલિસબ્રિજ પર હરેન પંડ્યાના સમયમાં ઓછા મત આવતા હતા. હરેન પંડ્યા લડતા હતા ત્યારે તેમને ઓછા મત મળતા હતા. મારા આવ્યા પછી ભાજપને એલિસબ્રિજ પર વધારે મત મળે છે." સ્વર્ગસ્ત હરેન પંડ્યા એલિસબ્રિજ બેઠક પરથી બેવાર ધારાસભ્ય બન્યા હતા. એકવાર 1995માં અને બીજીવાર 1998માં.
એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહ
જાગૃતિ બેને રાકેશ શાહને માફી માગવા કહ્યું
સ્વર્ગસ્ત હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખીને રાકેશ શાહને નિવેદન પાછુ લેવા માટે પત્ર લખ્યો છે. જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે હરેન પંડ્યાને લોકો હજુ પણ પ્રેમ કરે છે. રાકેશ શાહે અખબારી યાદીમાં જે નિવેદન આપ્યું છે તે તેમણે પાછું લેવું જોઈએ. હરેન પંડ્યાએ પોતાની લાયકાતથી લોકપ્રીયતા મેળવી હતી. તેમની સરખામણી કોઈને સાથે કરવી અયોગ્ય છે. પક્ષ ટિકિટ ના આપે તો આવા નિવેદનો ના આપવા જોઈએ. રાકેશ શાહે પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ અને માફી માગવી જોઈએ.
કોણ હતા હરેન પંડ્યા?
ભાજપના નેતા અને કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી રહેલા હરેન પંડ્યાની 26 માર્ચ 2003ના રોજ અમદાવાદ શહેરના લૉ ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લો ગાર્ડનમાં સવારે હરેન પંડ્યા ચાલી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી જેમાં તેમનું મોત થયું હતું. સીબીઆઈનું સમગ્ર મામલે માનવું હતું કે વર્ષ 2002માં ગોધરામાં થયેલા દંગાના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. હરેન પંડ્યાની હત્યાની તપાસ તત્કાલીન DCP ડીજી વણજારાને સોંપવામાં આવી હતી. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાના કારણે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. વર્ષ 2007માં આ કેસમાં નવ આરોપીને આજીવન જેલની સજા અને અન્ય 2 વ્યક્તિને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.