ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રિયા હાથ ધરી છે. ચૂંટણી નજીક આવતા હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર નિશાન સાધતા કહ્યું કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો, હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.
રેશ્મા પટેલના નિશાના પર હાર્દિક પટેલ
ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ અંગે મનોમંથન કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 7 વખત લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. ઉમેદવારોના નામની પસંદગી કરવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે.
ભાજપની ખિસકોલી બની હાર્દિક દાવેદારોની લાઈનમાં ઉભા છે - રેશ્મા
પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પર નિશાન સાધ્તા કહ્યું કે ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈ હાર્દિક પટેલે કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. તે સમયે હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.