એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના દિવસે રામેશ્વરમાં એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો,27 જુલાઈ 2015ના દિવસે શિલોંગમાં એક કાર્યક્રમમાં એપીજે અબ્દુલ કલામનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું. પરંતુ લોકોના દિલમાં આજે પણ તેઓ જીવંત છે
ભારતના સર્વાધિક લોકપ્રિય રાષ્ટ્રપતિ હતા, એ વાતમાં કોઈ જ બેમત ન હોઈ શકે. રામેશ્વરમના ઘરે ઘરે છાપાં નાખતા તેજસ્વી બાળકમાંથી ભારતના ‘મિસાઈલ મેન’ અને ત્યારપછી રાષ્ટ્રપતિ બનવા સુધીની ડૉ. કલામની જીવનસફર કોઈપણ વ્યક્તિને નિરાશા ખંખેરીને પ્રેરણાના બુસ્ટર ડોઝ આપે તેવી છે. પોતાની આત્મકથા ‘માય લાઈફ’માં કલામે પોતાના પૂરણપોળીના શોખની વાત કરી છે. બાળપણથી લઈને છેક રાષ્ટ્રપતિ બન્યા પછીયે તેઓ પૂરણપોળીની જ્યાફત ઉડાવવાનું ભૂલતા નહીં. એકદમ સાદગી અને પ્રામાણિકતાનો પર્યાય બની રહેલા કલામના જીવનના અનેક પ્રસંગો એવા છે જેના વિશે જાણીએ તો એમના પ્રત્યે માનમાં અનેકગણો વધારો થાય. આવા જ કેટલાક પ્રસંગો અને એમની ખાસિયતો જોઈએ.
- એમના રાષ્ટ્રપતિ બનવાની જાહેરાત થયાના થોડા સમયમાં જ તેઓ એક સરકારી શાળામાં પ્રવચન આપવા ગયેલા. લગભગ 400 બાળકોને સ્પીચ આપતી વખતે જ લાઈટ જતી રહી અને માઈક્રોફોન બંધ થઈ ગયું. કલામ સ્ટેજ પરથી ઊતરીને બાળકોની વચ્ચે જતા રહ્યા અને ત્યાં એમણે કોઈ જ માઈક્રોફોન વિના પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું.
- ડૉ. કલામ જ્યારે ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન’ (DRDO)માં હતા, ત્યારે સંસ્થાની ઈમારતની બિલ્ડિંગને ફરતે આવેલી દીવાલ પર કાચના ટુકડા બેસાડવાની દરખાસ્ત આવી. કલામે તેનો સખત વિરોધ કર્યો કારણ કે કે અણીદાર કાચ તે દીવાલ પર બેસતાં પક્ષીઓને ઈજા પહોંચાડી શકે તેમ હતા.
- બહુ ઓછી જાણીતી વાત છે કે ડૉ. અબ્દુલ કલામે પોતાની તમામ સંપત્તિ અને બચત એમણે સ્થાપેલા ટ્રસ્ટ ‘પ્રોવાઇડિંગ અર્બન એમેનિટિઝ ટુ રુરલ એરિયાઝ’ (PURA)ને દાનમાં આપી દીધેલી. આ ટ્રસ્ટ તેના નામ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરે છે. આ વિશે ડૉ. કલામે ‘અમુલ’ના સ્થાપક ડૉ. વર્ઘીસ કુરિયનને કહેલું, ‘હવે તો હું રાષ્ટ્રપતિ બની ગયો છું એટલે આજીવન મારી તમામ જરૂરિયાતોની સંભાળ ભારત સરકાર રાખશે. તો પછી મારે મારી સંપત્તિ અને બચતની શી જરૂર છે?’
- લોકપ્રિયતા જોતાં ડૉ. કલામને પત્રોનો પણ ઢગલો થતો. પોતાના અતિવ્યસ્ત શેડ્યુલમાંથી પણ તેઓ સમય કાઢીને તેનો પ્રત્યુત્તર કે થેન્ક યુ કાર્ડનો જવાબ આપતા અને તેના પર પર્સનલાઈઝ્ડ નોટ્સ પણ લખતા.
- રાષ્ટ્રપતિ પદ પરથી ઊતર્યા બાદ ડૉ. કલામ IIM, અમદાવાદ પ્રવચન આપવા આવેલા. તે પહેલાં એમનું એક શાળાનાં બાળકો સાથે લંચ હતું. લંચ પત્યા બાદ બાળકોએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાથે ફોટો પડાવવા પડાપડી કરી મૂકી. IIM માટે મોડું થતું જોઈને આયોજકોએ બાળકોને ભગાડવાની કોશિશ કરી. પરંતુ કલામે આયોજકોને શાંત પાડ્યા અને શિડ્યુલના ભોગે પણ બાળકોને ખુશ કરી દીધા. આ રીતે વર્ષો પહેલાં જ્યારે તેઓ DRDOમાં હતા ત્યારે એક કોલેજમાં ચીફ ગેસ્ટ તરીકે જવાના હતા. કોલેજના ફંક્શનની તૈયારીઓ કરતા કોલેજિયનોને મળવા તેઓ અડધી રાત્રે જીપ લઈને પહોંચી ગયેલા.
- IIT, વારાણસીના એક કાર્યક્રમમાં તેઓ ચીફ ગેસ્ટ હતા. સ્ટેજ પર પહોંચતાં જ એમણે જોયું કે એમના માટે ફાળવવામાં આવેલી ખુરશી બાકીની ખુરશીઓ કરતાં ખાસ્સી મોટી અને ભપકાદાર હતી. ડૉ. કલામે એ ખુરશી પર બેસવાનો ઈન્કાર કરી દીધો. તરત જ આયોજકોએ બાકીની ખુરશીઓ જેવી જ રેગ્યુલર ખુરશી મંગાવી આપી એ પછી તેઓ બેઠા. આ રીતે એક વખત તેઓ એક મીડિયા કોન્ક્લેવમાં ગયેલા. સ્ટેજ પર દેશના ધુરંધર પત્રકારો ઉપસ્થિત હતા. ડૉ. કલામને જવાનું મોડું થતું હોઈ તેઓ તેઓ સ્ટેજ પરથી ઊતરીને પરત જઈ રહ્યા હતા. ત્યાં ન્યુક્લિયર શસ્ત્રો વિશેની ચાલુ ચર્ચામાં એક મુદ્દો ઊઠ્યો અને સ્ટેજની નીચેથી પસાર થઈ રહેલા ડૉ. કલામને કશુંક કહેવાની ઈચ્છા થઈ આવી. ડૉ. કલામે તરત જ સ્ટેજના ભોંયતળિયે બેસી ગયા અને ત્યાં બેઠાં બેઠાં જ એમણે પોતાની વાત કહી.
- ડૉ. કલામનો DRDO વખતનો એક બહુ મજેદાર પ્રસંગ છે. એમની ટીમના એક સાયન્ટિસ્ટ પોતાના બૉસ કલામ પાસે આવ્યા અને થોડા વહેલા ઘરે જવા માટે પરવાનગી માગી, કેમકે સાંજે એમણે પોતાનાં બાળકોને એક એક્ઝિબિશનમાં લઈ જવાનું પ્રોમિસ આપેલું. ડૉ. કલામે ખુશીથી અનુમતિ આપી દીધી. પરંતુ તે સાયન્ટિસ્ટ કામમાં ડૂબી ગયા અને વહેલા નીકળવાનું ભૂલી ગયા. સાંજે ડરતાં ડરતાં પોતાના ઘરે પહોંચ્યા ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમની પત્નીએ કહ્યું કે, ‘તમારી ઑફિસેથી તમારા મેનેજર આવેલા અને તમે બિઝી છો એટલે તમારા બદલે એ બાળકોને એક્ઝિબિશન બતાવી આવ્યા!’ એ ‘મેનેજર’ બીજું કોઈ નહીં બલકે ડૉ. એપીજે અબ્દુલ કલામ હતા!
- રાષ્ટ્રપતિ બન્યા પછી ડૉ. કલામ પાસે કોઈપણ વ્યક્તિને ‘પ્રેસિડેન્શિયલ ગેસ્ટ’ તરીકે આમંત્રણ આપવાની સત્તા હોય છે. પ્રેસિડન્ટ બન્યા પછી જ્યારે તેઓ પહેલીવાર કેરળ ગયા ત્યારે કેરળના રાજભવનમાં એમણે પ્રેસિડેન્શિયલ ગેસ્ટ તરીકે ફૂટપાથ પર મોચીકામ કરતા એક માણસ અને એક સામાન્ય હૉટેલના માલિકને આમંત્રણ આપેલું. કેમકે, તેઓ અગાઉ જ્યારે કેરળ હતા ત્યારે એમણે તે મોચીની સેવાઓ લીધેલી અને તે હૉટેલમાં અવારનવાર જમવા જતા.
- એક વખત તેઓ તમિલનાડુના ઈરોડમાં ‘સૌભાગ્ય વેટ ગ્રાઈન્ડર્સ’ કંપની દ્વારા સ્પોન્સર્ડ ઈવેન્ટમાં ગયેલા. પ્રાયોજકોએ ડૉ. કલામને પોતાના તરફથી એક ગ્રાઈન્ડર ગિફ્ટમાં આપ્યું. ડૉ. કલામે લેવાની ના પાડી. પરંતુ એમને ગ્રાઈન્ડરની જરૂર હતી, એટલે એમણે તે ગ્રાઈન્ડરના પૈસા ચૂકવવાનો આગ્રહ કર્યો. પાછળથી એમણે તે કંપનીને 25 ઑગસ્ટ, 2014ની તારીખ ધરાવતો 4850 રૂપિયાનો ચૅક મોકલી આપેલો.
- પત્રકાર અર્નબ ગોસ્વામીએ એક ઈન્ટરવ્યૂમાં ડૉ. કલામને એમની જિંદગીના સૌથી આનંદદાયક પ્રસંગ વિશે પૂછેલું
ડૉ. કલામે કહેલું, ‘હું જ્યારે અગ્નિ મિસાઈલ પર કામ કરી રહ્યો હતો, ત્યારે એક પ્રોફેસર મારી લેબોરેટરીમાં આવેલા. એમણે અગ્નિ મિસાઈલમાં વપરાતું એક મટિરિયલ જોયું, જે વજનમાં એકદમ હળવું પરંતુ એકદમ મજબૂત હતું. તે પ્રોફેસર મને પછીથી એક હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પંદરેક વર્ષથી નીચેનાં ચાલીસેક બાળકો બતાવ્યાં. તમામ બાળકોને પગમાં કોઈ ને કોઈ ખોડખાંપણ હતી. એ તમામ બાળકો ચાર કિલોગ્રામ વજનનાં કૅલિપર્સ (સરળતાથી ચાલવા માટે પગમાં પહેરાતી ધાતુની ફ્રેમ) પહેરીને મહામુશ્કેલીએ ચાલતાં હતાં. પ્રોફેસરે મને અગ્નિ મિસાઈલવાળા એ મટિરિયલમાંથી અપંગ બાળકો માટે કૅલિપર્સ બનાવવાનો આગ્રહ કર્યો. જ્યારે એ કૅલિપર્સ બની ગયાં ત્યારે તેનું વજન માંડ ચારસો ગ્રામ જેટલું હતું. મેં જોયું તો તે બાળકો તે નવાં કૅલિપર્સ પહેરીને ચાલી જ નહીં, બલકે દોડી રહ્યાં હતાં. એ જોઈને એમનાં માતાપિતાની આંખોમાં પણ ખુશીનાં આંસુ હતાં. મને લાગ્યું કે હું આ પૃથ્વી પરનો સૌથી ખુશ માણસ છું અને આ મારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ છે.’