હોસ્પિટલમાં જ્યારે માણસ દાખલ હોય છે ત્યારે તેને સૌથી વધારે જરૂર હોય છે એક આશાની કે બધુ ઠીક થઈ જશે. એક એવી ઉમ્મીદ જે તેને જીવવાનું કારણ આપે. માણસો જ્યારે દર્દમાં હોય છે ત્યારે મુખ્યત્વે પોતાના ઈષ્ટને યાદ કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મંદિર કરતા પણ વધારે પ્રાર્થનાઓ જો ક્યાંય સંભળાતી હોય તો તે છે હોસ્પિટલ. હોસ્પિટલમાં દર્દી જલ્દી સાજો થઈ ઘરે પરત ફરે તે માટે લોકો પ્રાર્થના કરે છે. અનેક લોકો એવું માને છે કે જો દવાની સાથે દુઆ પણ ઉમેરાઈ જાય તો દર્દી જલ્દી સાજો થઈ જાય છે. ત્યારે આવો જ એક પ્રકારનો પ્રયોગ રાજકોટની એક હોસ્પિટલમાં કરવામાં આવે છે. ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત હોસ્પિટલમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમજ દર્દીઓ દ્વારા હનુમાનચાલીસાના પાઠ નિત્ય કરવામાં આવે છે.
દરરોજ સવારે હોસ્પિટલમાં કરાય છે હનુમાન ચાલીસાના પાઠ
મંદિરોમાં આપણે ધૂન થતી હોય કે પ્રાર્થના કરાતી હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ રાજકોટની એક હોસ્પિટલ છે જ્યાં દરરોજ સવારે હનુમાન ચાલીસા ગાવાની પરંપરા છે. દર્દીઓની સુખાકારી માટે અનેક વર્ષોથી વહેલી સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. દર્દીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ભાવ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. એવું પણ સામે આવ્યું છે કે આ પ્રયોગને કારણે દર્દીઓના આરોગ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર દરરોજ સવારે એક હોલમાં આખો સ્ટાફ ભેગો થાય છે અને ત્યારબાદ હનુમાન ચાલીસા વગાડવામા આવે અને જોડે જોડે લોકો પણ તેનું ગાન કરે છે.
દર્દીઓના આરોગ્યમાં પણ જોવા મળે છે સકારાત્મક ફેરફાર
હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ પણ ભક્તિમય બની જતું હોય છે. હોસ્પિટલમાં ચાલતા આ પ્રયોગમાં અનેક દર્દીઓ પણ જોડાય છે. આરોગ્યમાં પણ સકારાત્મક ફેરફાર દર્દીઓને અનુભવાય છે.