થોડા સમય પહેલા બજેટ રજૂ થયું હતું તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલવા સેરેમની પ્રથા માત્ર કેન્દ્રનું બજેટ રજૂ થાય ત્યારે કરવામાં આવતી હોય છે પરંતુ હલવા સેરેમની સુરત ખાતે કરવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સુરતના મેયર દ્વારા હલવો બનાવામાં આવ્યો હતો. મેયરના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવું પ્રથમ વખત થયું છે.
સુરતમાં સામાન્ય સભાની પહેલા કરાયું હલવા સેરેમનીનું આયોજન
આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મોઢું મીઠું કરવાનો રિવાજ છે. આ જ પરંપરા કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જોવા મળતી હોય છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્રના રસ્તે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ઈતિહાસમાં હલવા સેરેમની પ્રથમ વખત યોજાઈ હતી.
વિરોધ પક્ષના નેતા તેમજ મ્યુ. કમિશનર રહ્યા હતા ગેરહાજર
સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ લોકોનું મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટર હાજર હતા પરંતુ આ સેરેમનીમાં વિરોધ પક્ષના નેતાઓની તેમજ મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી જોવા મળી હતી. હલવા સેરેમનીમાં કમિશનરની ગેરહાજરી સંકેત આપે છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી. એવી પણ વાતો સામે આવી હતી કે કમિશનર મેયરની વાત માનતા નથી.
વિપક્ષે હલવા પાર્ટીને લઈ કર્યા અનેક પ્રહાર
હલવા પાર્ટી અંગે વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડે છે. હજારો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચે અને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપવામાં આવ્યો છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે.