રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતી દુર્ઘટનામાં મરો તો સામાન્ય અને નિર્દોષ માણસોનો થતો હોય છે. જેમ કે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની GIDCમાં એક દિવાલ ધરાશાયી થતાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાં 4 બાળકોના મોત થયા હતા અને 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં 2 મહિલા સહિત 4 લોકો હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
MPથી પેટીયું રળવા આવ્યો હતો પરિવાર
મધ્યપ્રદેશથી ગુજરાતમાં પેટીયું રળવા આવેલા કરવા આવેલા જીતેન્દ્રભાઈ ડામોર અને અંબારામ ભુરીયાના પરિવારજનો દીવાલ નીચે દબાયા હતા. જેમાં જીતેન્દ્રભાઈ ડામોરે એક દીકરો અને અંબારામ ભુરીયાએ તેમના ત્રણ સંતાનો ગુમાવ્યા છે. મૃતક બાળકોમાં અભિષેક અંબારામ ભુરીયા (04 વર્ષ), ગુનગુન અંબારામ ભુરીયા (02 વર્ષ), મુસ્કાન અંબારામ ભુરીયા (05 વર્ષ), ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં પાર્વતીબેન અંબારામ (26 વર્ષ), આલિયા જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ),મીત જીતેન્દ્રભાઈ ડામોર (02 વર્ષ), હીરાબેન જીતેન્દ્રભાઈ ડામોર (25 વર્ષ)નો સમાવેશ થાય છે.
એકની ભૂલની સજા બીજાને મળે તે કેવું?
રાજ્યમાં કોઈ પણ હોનારત કે દુર્ઘટનામાં બનતું એવું હોય છે કે બીજાની ભૂલની સજા નિર્દોષોને મળતી હોય છે. આપણે ભૂતકાળની ઘટનાઓમાંથી પણ શીખતા નથી. જેમ કે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સ્લેબ તુટવાની ઘટના હોય કે જામનગરમાં બિલ્ડિંગ ઘરાશાઈ થવાની ઘટના, યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તુટી પડવો કે પછી ક્યારેય ન ભૂલી શકાય તેવી મોરબી બ્રિજ દુર્ઘટના, આ તમામ દુર્ઘટનાઓ વચ્ચે સામ્યતા એ છે કે બીજાની ભૂલના કારણે નિર્દોશ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારી જ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર કહીં શકાય.