હજયાત્રીઓ પાસેથી વધુ ભાડું લેવાના મુદ્દે હાઇકોર્ટે ખુલાસો આપવા ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો શું છે


  • Published By :
  • Published Date : 2023-05-30 18:26:02

હજ માટે જતાં અમદાવાદના હાજીઓ પાસેથી વધુ ભાડું લેવામાં આવતું હોવાના મુદ્દે થયેલી રિટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.આજે હાઈકોર્ટે ખુલાસો આપવા માટે સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી છે. હજ યાત્રિકોનો આરોપ છે કે ગત વર્ષ સુધી અમદાવાદના હાજીઓ પાસેથી મુંબઇ જેટલું જ ભાડું લેવાતું હતું અને હવે આ વર્ષે જ એમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે. ચોથી જૂનથી હજની ફ્લાઇટ શરૂ થવાની છે.


આગામી સુનાવણી 2 જૂને થશે


આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે? એ અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા? એવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે.


10,000 જેટલા હાજીઓની લકી ડ્રોથી પસંદગી


હજયાત્રા માટે ગુજરાતમાંથી પણ લકી ડ્રો મારફત આશરે 10,000 જેટલા હાજીઓની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ કરતાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ એમ ત્રણ એરપોર્ટથી જેદ્દાહ એરપોર્ટ સુધીનું ઓછું અંતર હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી હજયાત્રાએ જઈ રહેલા હાજીઓ પાસેથી અંદાજે 68000થી 70000 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. અગાઉ આ તફાવત 2થી 5 હજાર રૂપિયાનો જ હતો. એને લઈને હજ યાત્રીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. આજે સુનાવણી હાથ ધરાતાં હાઈકોર્ટે ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. અરજદારોએ હાઈકોર્ટને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સર્ક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે અને ભેદભાવ પૂર્ણ જણાવી રદ કરવા માગણી કરી હતી.


સમગ્ર મામલો શું છે?


ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોની રજૂઆત હતી કે,‘હજયાત્રીઓ માટે જે 3.72 લાખ અમદાવાદ માટે ભાડું રાખવામાં આવ્યું છે જ્યારે મુંબઇથી હાજીઓ માટેનું ભાડું 3 લાખ રૂપિયાની આસપાસ છે. જોકે, અમદાવાદ અને મુંબઇ બંને ભારતના પશ્ચિમ વિસ્તારમાં હોવાથી એકસમાન ભાડું હોવું જોઇએ. અગાઉ માત્ર પાંચ હજાર રૂપિયાનો તફાવત હતો, પરંતુ હવે તો 70 હજારથી એક લાખ રૂપિયા સુધીનો તફાવત છે. આ સંદર્ભે વિવિધ હાઇકોર્ટમાં અરજીઓ પણ થઇ છે.


2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ


વર્ષ 2023ની પોલિસીમાં ગત વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતા હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી 2100 સાઉદી રિયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા. જેથી તેઓ હજ દરમિયાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા, પરંતુ આ વર્ષે 2100 સાઉદી રિયાલ ચૂકવવાનું બંધ રાખવામાં આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?