કોરોના બાદ હવે દેશ પર H3N2નો ખતરો તોળાઈ રહ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં H3N2ના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. રાજ્ય સરકારો પણ આ મુદ્દે એક્શન મોડમાં આવી છે. રાજ્ય સરકારોએ આનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. આ સાથે આ વાયરસથી સંબંધિત કોઈપણ દર્દી વિશે માહિતી માંગવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પુંડુંચેરી દેશનું આવું પહેલું રાજ્ય બન્યું છે, પુંડુંચેરીના શિક્ષણ મંત્રીએ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
પુંડુંચેરીમાં સરકાર એક્શન મોડમાં
પુંડુંચેરીમાં વધી રહેલા H3N2 વાયરસ અને ફ્લૂના કેસને જોતા રાજ્યના શિક્ષણ મંત્રી એ. નમસિવાયમે શાળાઓમાં રજા જાહેર કરી છે. પુંડુંચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી સ્કૂલ બંધ રહેશે. હાલમાં આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે પુંડુંચેરીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના 79 કેસ નોંધાયા છે.
શું છે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો?
ભારતમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના પ્રકોપે ચિંતા વધારી છે, કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું વગેરે છે.