દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સાથે સાથે H3N2નો ખતરો પણ સતત વધી રહ્યો છે. એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં H3N2ના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસના અનેક કેસો નોંધાયા છે. મળતી માહિતી અનુસાર H3N2ને કારણે દેશમાં હજી સુધી 9 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે નોંધાયા H3N2ના કેસ!
કોરોના વાયરસ પણ દેશમાં ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. ત્યારે કોરોનાની સાથે H3N2ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ કેસના આંકડામાં પણ સતત વધી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં આ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કેસ નોંધાતા સરકાર એક્ટિવ થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. હજી સુધી સ્વાઈન ફ્લુ અને H3N2 ના 352 જેટલા કેસ નોંધાઈ ગયા છે. જેમાંથી H3N2ના 58 જેટલા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત થયું છે તેવા સમાચાર મળ્યા હતા.
રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવા કરાયો આદેશ
વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એલર્ટ રહેવા કહી દીધું હતું. એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું તેમજ સામાજીક અંતર જાળવવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ચ મંત્રીએ પણ આ મુદ્દે બેઠક કરી હતી. અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવ્યું છે.