જ્ઞાનવાપી કેસને લઈ આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી થાય તે પહેલા જ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો. કોર્ટે અરજીને જ ફગાવી દીધી હતી જેને લઈ વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાતા હવે મુસ્લિમ પક્ષ આને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે તેવી સંભાવનાઓ છે.
હાઈકોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પક્ષની અરજી!
મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વાતને પડકારતી અરજી મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિને જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જેને કારણે વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત રહ્યો છે. વાસ્તવમાં, આ પૂજા કરવાનો આદેશ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો હતો.