ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ઠંડો પવન નહીં ફૂંકાવાને કારણે ઠંડીનો ઓછો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર બે દિવસ ઠંડીથી રાહત મળશે પરંતુ તે બાદ ઠંડીનો રાઉન્ડ ફરી એક વખત જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ચરબન્સને કારણે ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે અનેક જગ્યાઓ પર તાપમાન વધારે નોંધાયું હતું.
ગુજરાતમાં ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ
ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ઠંડા પવન ફૂંકાવાને કારણે વધારે ઠંડી અનુભવાતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતવાસીઓને ઠંડીથી આંશિક રાહત મળી છે. શીત લહેર ન વહેવાને કારણે ઠંડીથી રાહત અનુભવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડી ઓછી થઈ છે પરંતુ આવનાર બે દિવસો બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.
11 જાન્યુઆરી બાદ ફરી એક વખત વધશે ઠંડીનું જોર
દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. શીતલહેરને કારણે હાડકા થીજી જાય તેવી ઠંડી પડતી હતી. ત્યારે એક બે દિવસ ઠંડીથી રાહત મળી છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર 11 જાન્યુઆરી બાદ ઠંડીનો રાઉન્ડ ફરી શરૂ થશે અને એ વખતે વધારે કાતિલ ઠંડીનો અહેસાસ થશે. હાલ ઠંડીનું પ્રમાણ ઓછું હોવાને કારણે તાપમાન પણ વધ્યું છે. નલિયામાં તાપમાનનો પારો 9.5 ડિગ્રી નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. ભૂજમાં તાપમાન 12 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
પતંગ રસિયાઓને મળશે પવનનો સાથ
હાલ ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો પરંતુ ઉત્તરાયણ સમયે પવનનો સાથ મળી રહેશે. 11 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. તે સમયે પવન પણ વહેશે જેને કારણે પતંગ રસીયાઓના રંગમાં ભંગ નહીં પડે. ઉત્તરાયણના સમયે પવનનો સાથ મળી રહેશે.