ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરભારતના રાજ્યોમાં બરફવર્ષા થવાને કારણે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ગગડી રહ્યું છે. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર ત્રણ-ચાર દિવસ આનાથી પણ વધારે ઠંડી પડશે. તાપમાન સતત ઘટતા રાજ્ય ઠંડુગાર બની ગયું છે.
રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો
છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ આવી ઠંડી પડી હોય તેવું ગુજરાતીઓ માની રહ્યા છે. રાજ્યમાં કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. રાજ્યના 14 જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં આ તાપમાન યથાવત રહેશે અથવા તો આનાથી પણ ઓછુ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 6.2, રાજકોટમાં 7.3, સુરેન્દ્રનગરમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છોટા ઉદેપુરમાં 10.1, વડોદરામાં 10.4, કંડલામાં 9.1, અમરેલીમાં 9, ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તો બરફની વર્ષા થઈ હતી.
ઠંડીને કારણે વધી ખેડૂતોની ચિંતા
માઉન્ટ આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓને મજા પડી ગઈ હતી. અનેક સ્થળો પર બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઠંડીને કારણે લોકોને મજા આવી રહી છે લોકો હિમવર્ષાની મોજ માણી રહ્યા છે તો આ હિમવર્ષા ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું છે. ઠંડી તેમજ હિમવર્ષાને કારણે પાકને નુકસાન પહોંચવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.