સુદાનમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સુદાનથી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. હજી સુધી અનેક ભારતીયો પોતાના વતન આવી ચૂક્યા છે. ત્યારે સુદાનમાં યુદ્ધમાં ફસાયેલા 56 જેટલા ગુજરાતીઓ ગુજરાત પરત આવી પહોંચ્યા છે. યુદ્ધ વિરામ વચ્ચે ભારતીયોને પાછા લાવવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું અને ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે.
હર્ષ સંઘવીએ કર્યું ગુજરાતીઓનું સ્વાગત!
ગુજરાતીઓ પણ સુદાનમાં ફસાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર 72 ગુજરાતીઓએ ભારત પરત આવવાની અરજી કરી હતી. જેમાંથી 56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. ગુલાબનું ફૂલ આપીને ગુજરાતીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સરકાર અમને હેમખેમ મોતના મુખમાંથી પરત અમારા ઘરે લઈ આવી છે અમારા નસીબ છે કે અમે જીવતા છીએ.
56 ગુજરાતીઓ પોતાના વતન પરત ફર્યા!
સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત માદરે વતન લાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીયો હેમખેમ પોતાના વતનમાં પાછા ફરે તે માટે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન કાવેરી અંતર્ગત અનેક ભારતીયો પોતાના વતન પાછા ફર્યા છે. આ ઓપરેશન કાવેરી અંતર્ગત 56 ગુજરાતી ગુજરાત પરત ફર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. 56 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ અને ત્યાંથી ફ્લાઈટની મદદથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ત્યારે મુંબઈથી બાયરોડ અમદાવાદ લવાયા હતા. ત્યારે હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. મળતી માહિતી અનુસાર હજુ 650 જેટલા ગુજરાતીઓ સુદાનમાં ફસાયા છે.