આકરો તાપ તો ગુજરાતીઓએ સહન કર્યો છે પરંતુ હવે કડકડતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે જો ઓફિસ જવાનું હોય તો એવો વિચાર કરવો પડે કે કેટલા સ્વેટર પહેરીને જવું! ઠંડો પવન વહી રહ્યો છે જેને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઠંડી હતી પરંતુ પવન ન હતો જેને કારણે વધારે ઠંડી લાગતી ન હતી. પરંતુ ઠંડા પવનને કારણે ઠંડી પોતાનું આકરૂં સ્વરૂપ ધારણ રાજ્યમાં કરી રહી છે. દર વખતની જેમ નલિયાનું લઘુત્તમ તાપમાન એકદમ ઓછું નોંધાયું છે.
અનેક રાજ્યોમાં થઈ રહી છે હિમવર્ષા
ડિસેમ્બર મહિનામાં જોઈએ એવો ઠંડીનો માહોલ જામ્યો ન હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના આંખોમાં પાણી હતા. માવઠાને કારણે ઠંડીનો અનુભવ ન થતો હતો. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે ત્યારે એ આગાહી હાલ સાચી પડતી લાગી રહી છે. તાપમાનનો પારો સતત ગગડ્યો છે અને નલિયાનું તાપમાન 8.4 પર પહોંચી ગયું છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે.
ગઈકાલથી વહી રહ્યો છે ઠંડો પવન!
બુધવારે એટલે આજે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મંગળવારે પણ એવી જ પરિસ્થિતિ હતી કે ઘરની બહાર નીકળવું કે નહીં તેનો વિચાર લોકો કરી રહ્યા હતા! ઉનાળામાં રાત્રીના સમયે લોકો બહાર જવાનું પસંદ કરે છે પરંતુ શિયાળામાં રાત્રે ધાબળા ઓઢી ઉંઘી જવાનું પસંદ કરે છે. એમ પણ શિયાળામાં ઉંઘ વધારે આવે તેવું માનવામાં આવે છે. ત્યારે બુધવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે કારણ કે આજ સવારથી પવન વહી રહ્યો છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.2, ગાંધીનગરનું તાપમાન 14.0, વલ્લભવિદ્યાનગરનું તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, વડોદરાનું તાપમાન 17.0, સુરતનું 17.4 જ્યારે વલસાડમાં તાપમાનનો પારો 17.0 ડિગ્રી પર પહોંચ્યો હતો. તે ઉપરાંત નલિયાનું તાપમાન 8.4, ભાવનગરનું તાપમાન 16.4, દ્વારકાનું તાપમાન 15.9, પોરબંદરનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટનું તાપમાન 12.8, દીવનું તાપમાન 17.0, સુરેન્દ્રનગરનું તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.