શબ્દનો જેટલો મહિમા છે એટલો જ મહિમા મૌનનો પણ છે... અનેક લોકો આપણી આસપાસ હોય છે જે ઘણા બોલકણા હોય છે... બોલવાની તેમની આદત હોય છે... પરંતુ અનેક એવા હોય છે જેમને મૌન વધારે પ્રિય હોય છે... શબ્દોને તે કિંમતી માને છે અને એટલા જ માટે તેમને લાગે છે કે શબ્દોને વેડફવા ના જોઈએ... ત્યારે શબ્દો અને મૌનને સમર્પિત તુષાર શુક્લની એક રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે..
ચાલ, લઈ લઈએ થોડા અબોલા
ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –
આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –
બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –
– તુષાર શુક્લ