Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - શિવાજીનું હાલરડું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-19 16:11:34

આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. છત્રપતિ શિવાજી મહારાજની વીરતા વિશે તો આપણે જાણીએ છીએ. તેમની વીરતા વિશે, તેમના શોર્ય વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે તેમ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની રચના જે કદાચ તમારામાંથી અનેક લોકોને આવડતી હશે...


શિવાજીને નીંદરૂ ના’વે…


આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ

બાળુડા ને માત હિંચોળે

ઘણણણ ડુંગરા બોલે !

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઈ ઝૂલાવે.


પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત

માતાજીને મુખ જે દી થી,

ઊડી એની ઉંઘ તે દી થી.

શિવાજીને નીંદરૂ ના’વે…


પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળા જુદ્ધ ખેલાશે

સુવાટાણું ક્યાંય ન રે’શે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રહેશે નહીં, રણ ઘેલુડા

ખાવા મુઠ્ઠી ધાનની વેળા.

શિવાજીને નીંદરૂ ના’વે…


પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર,

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દી’ ઢાલનું થાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ,

તે દી તો હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની.

શિવાજીને નીંદરૂ ના’વે…


લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ,

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,

તે દી તારા મોઢડા માથે

ઘુંવાધાર તોપ મંડાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ,

તે દી તારી વીર પથારી

પાથરશે વીશ ભુજાળી.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય,

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર બંધૂકા.

શિવાજીને નીંદરૂ ના’વે…


સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ,

જાગી વે’લો આવ બાલુડા

માને હાથ ભેટ બાંધવા.

શિવાજીને નીંદરૂ ના’વે…


જાગી વે’લો આવજે વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઇ ઝૂલાવે.


બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !


 


– ઝવેરચંદ મેઘાણી




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?