આપણે ત્યાં માનવામાં આવે છે કે કૃષ્ણ વગર રાધા અધૂરા અને રાધા વગર રાધા અધૂરા.. રાધા કૃષ્ણનું નામ જોડે લેવામાં આવે છે... જ્યારથી કૃષ્ણ ભગવાને વ્રજ છોડ્યું ત્યારથી તેમણે વાંસળી વગાડી ના હતી. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે ઘણું બધું લખાયું છે, બોલાયું છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ રાધાને સમર્પિત એક રચના...
રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં
ત્યાં માધવની વેણું ઉઠી વાગી
બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,
રાધા પણ ઝબકીને જાગી…
મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના
ને,રહું આઠે પ્રહર હું આનંદમાં
અભરખાના વન તો અડાબીડ ઉગ્યાં
તને પામવાં દોડું વૃંદાવનમાં
ગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથી
દ્વારિકાની લગની તને લાગી….
કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે
મ્હેકીં ઉઠ્યું વાંસવન
રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી
વ્યાકુળ થૈ ગ્યું તન,મન
રાજા રણછોડ ક્યારે વૃજમાં પધારશો
રાધાની અરજી અનુરાગી…
— વિનોદ માણેક, ચાતક