આજે ધૂળેટીના તહેવારની આપણે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી. એકબીજા પર સ્નેહથી કલર છાંટ્યો. હોળી અને શ્રીકૃષ્ણ તેમજ રાધાજી સાથે નાતો છે તેવી વાતો આપણે અનેક વખત સાંભળી હશે. જ્યારે ધૂળેટી શબ્દ આપણા કાનમાં પડે ત્યારે આપણા મનમાં શ્રીકૃષ્ણ અને રાધાજીની છબી સામે આવી જાય. ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સુરેશ દલાલની રચના...
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે...
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
- સુરેશ દલાલ