મા... બહેન... પત્ની... દીકરી... દોસ્ત વગેરે શબ્દો આપણે એક સ્ત્રી માટે વાપરતા હોઈએ છીએ. આપણે સ્ત્રીને આ સંબંધો પૂરતી સિમીત કરી દીધી છે. આપણે તેને મા માનીએ છીએ, બહેન માનીએ પરંતુ તેને નારી નથી માનતા. આપણે નથી માની શક્તા કે મહિલા એકલાનું પણ અસ્તિત્વ હોય. સ્ત્રીએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, કોની આગળ કેટલું બોલવું જોઈએ, કોની સાથે વાત કરવી જોઈએ તે બધું સ્ત્રી પોતે નહીં પરંતુ તેની વતી કોઈ બીજું, આપણે નક્કી કરીએ છીએ. આપણે કદાચ સ્ત્રીને કટપુતળી બનાવીને રાખી દીધી છે. આપણે સ્વીકાર જ નથી કરી શકતા કે મહિલાનું પોતાનું સ્વાભિમાન હોય છે.
જ્યારે મહિલા અવાજ ઉપાડે છે ત્યારે...
સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ જ્યારે એક સ્ત્રી આગળ વધે ત્યારે શરૂઆતમાં તો લોકો એને સપોર્ટ કરતા હોય છે પરંતુ પછી.. તેના પરિવારવાળા જ મુખ્યત્વે તેના દુશ્મન બની જતા હોય છે. સ્ત્રી જ્યારે પોતાના માટે અવાજ ઉપાડે ત્યારે તેનો અવાજ દબાવવા વાળા કદાચ તેની આજુબાજુના લોકો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે વાંચો સંદીપ ચૌધરીની રચના જેમાં તેમણે સ્ત્રી, નારી વિશે વાત કરી છે.
કાળજી રાખવા સૌની એ નારી થઈ છે
પા-પા પગલીથી એ ઢીંગલી સાથે વ્યવહારૂ થઈ છે,
પ્રેમ આપવા એ નારી થઈ છે..
સ્નેહ, વ્હાલને રક્ષાની પોટલીમાં પરૌવાઈ છે,
કાળજી રાખવા સૌની એ નારી થઈ છે...
સ્નેહમાં જે સઘળું ખમી ગઈ છે,
સહન કરવા નહીં પણ સંભાળી લેવા એ નારી થઈ છે..
આંખ એનીને સપના સ્નેહીઓના જોતી,
પરોપકારના પરિસ્તંભ રચવા એ નારી થઈ છે...
જીવમાંથી જીવને એને કરવા શિવ,
કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે..
પુરાણોમાં પ્રથમ તું ને વેદોના વદને,
શક્તિના પ્રમાણ સઘળે આપવા એ નારી થઈ છે...
- સંદીપ ચૌધરી