Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ખેડૂતની દયનિય સ્થિતિના હૃદય સ્પર્શી શબ્દાંકનને....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-05 12:35:39

અનેક લોકોની પીડાઓ એવી હશે જે કદાચ આપણે નહીં સમજી શકીએ. કારણ કે તેમની પીડા અંગે કદાચ આપણે વિચાર પણ નહીં કર્યો હોય. એમની જગ્યા પર આપણે પોતાને મૂકીને ક્યારેય નહીં જોયું હોય કે જો આવું થાય તો આપણી દશા કેવી હોત? અમે વાત કરી રહ્યા છીએ જગતના તાત એવા ખેડૂતની... ખેડૂતો જ્યારે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે શું વાત વાતમાં ખેડૂતો આંદોલન કરવા આવી જાય છે વગેરે વગેરે.... પરંતુ ક્યારેય આપણે પોતાને તેમની જગ્યા પર રાખીને વિચાર્યું છે? 


ખેડૂતોની વેદના વ્યક્ત કરતી રચના 

આપણી થાળી સુધી તે અનાજ પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરે છે. ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય આપણને ભોજન મળે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે. પરંતુ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આપણા સુધી જમવાનું પહોંચાડનાર ખેડૂતોના પરિવારજનો ભૂખ્યા રહે છે. ખાલી પેટે ઊંઘવાનો વારો આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ખેડૂતોને સમર્પિત એક રચના વાંચો. ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્લી લાગે... આ રચના કરવામાં આવી છે રૂપસિંહ વાઘસિંહ રાઠોડ દ્વારા તેવી માહિતી અમારી પાસે છે.   



ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!

મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;

મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.

બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;

મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.

ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;

કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.

ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?

ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.

ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;

હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.

રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;

એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.

વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;

ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.

અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;

બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.

વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;

ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.


– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?