ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.
આપણે ત્યાં ગુરૂને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ એટલે એ વ્યક્તિ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. માતા પિતા બાદ બાળકના જીવનમાં જો કોઈ મહત્વની ભૂમિકા ભજવે છે તે શિક્ષક, ગુરૂ હોય છે. માતા પિતા તેમજ ગુરૂનું ઋણ બાળક ક્યારે નહીં ચૂકવી શકે. શિક્ષણ બાળકને ન માત્ર ભણાવે છે પરંતુ તે બાળકનું ઘડતર પણ કરે છે. દુનિયાની રેસમાં બાળક ક્યાંય પાછો ન પડે તે માટે શિક્ષક તેને તૈયાર કરે છે.
શિક્ષકને સમર્પિત એક રચના
ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે શિક્ષકને સમર્પિત એક રચના. ભૂલ થઈ હોય તો ગુસ્સો કરે છે પણ તેમના જીવનને સુધારે છે. સમસ્યાના સમયે જે સૌથી પહેલા યાદ આવે તે શિક્ષક. વિદ્યાર્થીઓને ફકત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે. આજે જે રચના તમારા સુધી પહોંચાડી છે તે જાગૃતિ કૈલાની છે...
શિક્ષક
વિદ્યાર્થીને ફક્ત ભણતર નહીં, ગણતર પણ શીખવાડે,
તેમના જીવનમાં માતા,પિતા પછીનું જે સ્થાન બનાવે.
ભૂલ પર ભલે અઢળક ગુસ્સો કરે, પણ જીવનને સુધારે
શિક્ષા તો કરે પછી સ્નેહ પણ માતા પિતા જેવો દર્શાવે.
સમસ્યાના સમયે સૌથી પહેલી તમારી યાદ જો અપાવે,
એવું અનેરૂ સ્થાન વિદ્યાર્થીના જીવનમાં પોતાનું બનાવે.
ખુદને વિદ્યાર્થીના જીવનનો મિત્ર અને શુભેચ્છક બનાવે,
જિંદગીની હર એક પરિસ્થિતિ સામે લડતા શીખવાડે.
દ્રોણ કે સાંદીપની નહીં પણ ખુદને શ્રેષ્ઠ માનવ બનાવે,
ખુદને વંદનિય ના સહી, પણ યાદગાર ચોક્કસ બનાવે.
- જાગૃતિ કૈલા