આજકાલ માણસ એટલી જલ્દી સંબંધ બાંધી અને કાપી દે છે જેની કલ્પના પણ કદાચ કોઈએ નહીં કરી હોય. એ માણસ સામાન્ય હોય કે પછી નેતા હોય. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં તે ઢળી પડે અને મુશ્કેલ સમયમાં કોણે સાથ આપ્યો હતો તે પણ ભૂલી જાય છે. અનેક ધારાસભ્યો પોતાના પદને છોડી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે અને આવનાર દિવસમાં હજી પણ પોતાના પક્ષને અલવિદા કહી જવાના છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના નવા યુગનો ચેલો છું....
નવા યુગનો ચેલો છું
નવા યુગનો ચેલો છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..
ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..
જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..
છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..
એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..
મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.
– રમેશ પટેલ ‘આકાશદીપ’