જો આપણે કહીએ કે પહેલા પહેલા માણસ જીવંત હતો અને હવે જડભરત થઈ ગયો છે તો તેમાં કદાચ અતિશયોક્તિ નહીં હોય..! ધીરે ધીરે લોકો જડભરત થતા જાય છે. આજનો માણસ અપેક્ષાઓ સાથે ભટક્યા જ કરે છે. મોટી મોટી રાખવામાં આવતી અપેક્ષાઓ અનેક વખત દુખનું કારણ પણ બનતી હોય છે. અપેક્ષા રાખવી ખોટી વાત નથી પરંતુ એ અપેક્ષા પૂર્ણ થાય તેવી રાખવી જોઈએ..! ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રમેશ પારેખની રચના..
હું જીવતા મનુષ્યો ગણું તો...
અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એક બે
ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું ?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’
પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે
ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એક બે
‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, 'રમેશ'
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે
- રમેશ પારેખ