અનેક વખત એવું બનતું હોય છે કે વાતો ઘણી કરવી હોય પરંતુ શું બોલીએ તેની ખબર નથી પડતી. શબ્દો કયા બોલવા તેની ખબર પણ ના પડે.. શું બોલીએ તેનો વિચાર કરવો પડે.. શબ્દો બોલાય નહીં અને મૌન સમજાય નહીં ત્યારે શું બોલીએ? સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શું બોલીએ..
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?
બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?
આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ ?
ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?
બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?
લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?
- રમેશ પારેખ