એક જમાનો હતો જ્યારે ઘરના આંગણામાં ચકલીઓનો કલરવ સંભળાતો હતો. ઘરમાં ચકલીનો માળો હોતો હતો. પરંતુ હવે તો ચકલી જોવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. આજકાલના છોકરાને કદાચ એ પણ ખબર નહીં હોય કે ચકલી અસલમાં કેવી દેખાતી હશે. માત્ર ફોટામાં જોવી પડતી હશે. ચકલી લુપ્ત થઈ રહી છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ચકલીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. સાહિત્યના સમીપમાં રમેશ પારેખની રચનાને પેશ કરવી છે.
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
– રમેશ પારેખ