ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થઈ ગઈ છે. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી અનુભુતી થઈ રહી છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ વધારે વધશે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી જશે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારી મેંદીનો રંગ ઊડી જાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારી વેણી લાખેણી કરમાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારાં કાજળ નેણેથી ઝરી જાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારી ચૂડી અણમોલી તરડાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારે સેંથેથી હીંગળો રેળાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારી પાની સુંવાળી બળી જાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
મારો કેને નો પંથે પૂરા થાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
જેને શોધું કે દૂર સરી જાય રે
સૂરજ! ધીમા તપો, ઘીમા તપો
- ઝવેરચંદ મેઘાણી