જગતના તાત વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણને દુ:ખ થાય કે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. વરસાદ ના આવે તો પણ પ્રોબ્લેમ અને વધારે વરસાદ આવે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. પાક સારો થયો હોય તો પણ ટેકાના ભાવ ના મળતા જગતનો તાત દુ:ખી થઈ જાય છે. ગમે તેટલી પીડા કેમ ના હોય પરંતુ ખેડૂત પોતાના ચહેરા પર આવવા નથી દેતો. અનેક ખેડૂતો હિંમત નથી હારતા અને કર્મને કરતા રહે છે. આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે નાથાલાલ દવેની રચના...
ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે
ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર ;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે
હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે
– નાથાલાલ દવે