આપણે ત્યાં અનેક લોકો એવા હોય છે જે આજનું કમાઈને આજે ખાનારા હોય છે. કાલની ચિંતા નથી કરતા કે કાલે તેમને ભોજન મળશે કે નહીં. અનેક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા નથી હોતા તો પણ તે ખુશ હોય છે. પૈસા ભલે ઓછા હોય પરંતુ તેમનું જીવન સારી રીતે ચાલતું હોય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના....
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ.
- મકરંદ દવે